Feb 23, 2015

પ્રાથમિક શિક્ષણનું માળખું ધરમૂળથી બદલાશે : શિક્ષકો પણ ડ્રેસ પહેરી આવશે

પ્રાથમિક શિક્ષણનું માળખું ધરમૂળથી બદલાશે : શિક્ષકો પણ ડ્રેસ પહેરી આવશે

-પરિવર્તન|
પ્રાથમિક શાળાઓમાં દર મહિને ગુણોત્સવ યોજવા ભલામણ
-શિક્ષક મોબાઇલ સાથે 3 વખત ઝડપાય તો પગાર કાપવા સૂચન

ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષણમાં ધરમૂળથી પરિવર્તન કરવા માટે પાંચ શિક્ષણશાસ્ત્રીઓની રચાયેલી કમિટિએ ગુજરાત સરકારને વિવિધ ભલામણો કરી છે. જેમાં શિક્ષકો માટે ભણાવતી વખતે જીન્સ કે ટિ-શર્ટને બદલે એક સમાન ડ્રેસ કોડ યુનિફોર્મ અમલી કરવાથી લઇ શાળાઓમાં દર મહિ‌ને ગુણોત્સવ યોજવા અને તેના પરિણામના આધારે શિક્ષકોની બદલી કરવાની ભલામણ કરવામાં આવી છે.

પ્રાથમિક શાળાઓમાં ક્રાંતિકારી ફેરફારો સૂચવવામાં આવ્યા છે. જેમાં શિક્ષકોને શાળામાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધની ભલામણ છે. તો યુનિફોર્મ પણ રાખવા સૂચન કરાયું છે. મોબાઇલ સાથે જો એક જ શિક્ષક ત્રણ વાર ઝડપાય જાય તો તેનો પગાર કાપી લેવા ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત અત્યારે જે દર વર્ષે ગુણોત્સવ યોજાય છે તે દર મહિ‌ને યોજવા અને તેના પરિણામ પરથી શિક્ષકોની બદલીના ઓર્ડર કરવા ભલામણ કરવામાં આવી છે. ગુણોત્સવના પરિણામના આધારે શાળાઓનું રેન્કિંગ કરવું. તેના રિઝલ્ટ જેવા આવે તે પ્રમાણે શાળાને ગ્રાન્ટ આપવી. તો તમામ શાળાઓનું નિયમિત ચેકિંગ કરવું અને જ્યાં ગુણવત્તા તદ્દન હલકી કક્ષાની લાગે તે તત્કાલ બંધ કરી દેવાની ભલામણ પણ આ સમિતિએ કરી છે.

અન્ય ફેરફારો સૂચવાયા છે તેમાં વિદ્યાર્થી‍ઓને ધો.1થી જ અંગ્રેજી અને હિ‌ન્દી ભાષાનું જ્ઞાન મળતું થાય તે માટે ધો.1થી જ આ બન્ને ભાષાનું જ્ઞાન આપવા ભલામણ કરવામાં આવી છે. જો કે અંતિમ નિર્ણય તો સરકારને લેવાનો છે. આ અહેવાલમાં તો 100થી વધુ સૂચનો કરવામાં આવ્યાં છે. જેમાં ઉચ્ચત્તર પ્રાથમિક અને ખાસ તો ધો.8માં એક મહિ‌નામાં બે વખત પરીક્ષા લેવામાં આવે. દર 15 દિવસે પરીક્ષા લેવાથી ખબર પડશે કે વિદ્યાર્થી‍ ક્યા વિષયમાં કેટલો કાચો છે. હવે રાજ્ય સરકારની ર્કોટમાં દડો આવી ગયો છે.

ધો.1થી અંગ્રેજી અને હિન્દી ભણાવવા સૂચન
ગુજરાત રાજ્યમાં કુલ 42,445 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે અને તેમાં ધો.1થી ધો.8માં કુલ 92 લાખ જેટલા વિદ્યાર્થી‍ઓ અભ્યાસ કરી રહ્યાં છે. જેમાં ધો.1થી ધો.5 પ્રાથમિક અને ધો.૬થી ધો.8 ઉચ્ચત્તર પ્રાથમિક ગણવામાં આવે છે.જેમાં અત્યારે ધો.4થી હિ‌ન્દી અને અંગ્રેજી ભાષા ભણાવવામાં આવે છે પણ હવેથી તે ધો.1થી ભણાવવી તેવું સૂચન કરાયું છે.

રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓમાં દેખાવ સુધરશે
અત્યારે સરેરાશ ગુજરાતી વિદ્યાર્થી‍ રાષ્ટ્રીય કક્ષાની અંગ્રેજીની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નબળો પડતો હોવાની માન્યતા છે. તેમાં સુધારો થાય અને હિ‌ન્દી પણ સુધરે તે હેતુથી ધો.1માં હિ‌ન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન આપવાની ભલામણ કરવામાં આવી છે. આથી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી‍ઓ સારૂ અંગ્રેજી બોલતા, લખતા અને સમજતા થશે તેવું મંતવ્ય છે.

ખાનગી શાળાઓ તરફ ધસારો જબ્બર વધ્યો
ગુજરાત રાજ્યમાં ખાસ તો સરકારી શાળાઓમાં પ્રાથમિક શિક્ષણનુ સ્તર નીચુ ગયું છે તેની સાબિતી ધો.1થી ધો.8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી‍ઓના આંકડા જ કહી આપે છે. ઇ.સ.1999-2000માં રાજ્યની સરકારી શાળાઓમાં કુલ 81.34 લાખ બાળકો હતા તે ઇ.સ.2011-12માં ઘટીને 60.32 લાખ થઇ ગઇ હતી. આ 20 લાખથી વધુ બાળકો ખાનગી શાળાઓ તરફ વળ્યા હતા. જેને ઉંચી ફીથી લઇ ભણતરનો વધારાનો બોજ ઉચકવો પડયો હતો.

No comments: